આજકાલ ડીજીટલ યુગમાં મોબાઈલ ઈન્ટરનેટ વગર કોઈપણ કામ કરવું મુશ્કેલ છે. મોબાઈલની સુવિધાને કારણે હવે કલાકોનું કામ થોડી મિનિટોમાં થઈ જાય છે. પરંતુ ફાયદાની સાથે તેની ઘણી આડઅસરો પણ છે. સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો કલાકો સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે.
આવી સ્થિતિમાં લોકો તેમના પરિવાર અને સંબંધીઓથી દૂર જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના એક ગામમાં લોકોની આ આદતને સુધારવાનો એક અનોખો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના સાંગલીના મોહિતાંચે વડગાંવ નામના ગામમાંથી એક રસપ્રદ વાત સામે આવી છે. આ ગામમાં દરરોજ સાંજે 7 વાગે મંદિરમાં સાયરન વાગે છે. જે બાદ ગામના તમામ લોકો તેમના મોબાઈલ, ટીવી અને તમામ ગેજેટ્સ બંધ કરી દે છે.
સાયરન વાગ્યા પછી, શાળાના બાળકો તેમના પુસ્તકોમાંથી અભ્યાસ કરે છે જ્યારે અન્ય લોકો વાત કરે છે. બીજી સાયરન વાગે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. લોકો સામસામે બેસીને એકબીજા સાથે વાત કરે છે. રાત્રે 8.30 વાગ્યે બીજું સાયરન વાગે પછી, લોકો ફરીથી તેમના મોબાઇલ અને ટીવી ચાલુ કરે છે.
ડિજિટલ વર્લ્ડના ખોટા પ્રભાવથી બચવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ ગામના લોકો દોઢ કલાક માટે તેમના મોબાઈલ, ટીવી અને અન્ય ગેજેટ્સ સ્વીચ ઓફ કરે છે. મોહિતાંચે વડગાંવ નામના આ ગામમાં 3,105 લોકો રહે છે.
આ નિત્યક્રમ રવિવારે પણ અનુસરવામાં આવે છે. તેની દેખરેખ માટે વોર્ડવાર કમિટી બનાવવામાં આવી છે. ગામના સરપંચ વિજય મોહિતે મોબાઈલ અને ટીવી બંધ કરવાની રજુઆત કરી હતી. લોકો આ વિશેષ અભિયાન સાથે સતત જોડાઈ રહ્યા છે.
સરપંચ મોહિતેએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે કોરોના વાયરસ અને લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસને કારણે બાળકોને ફોન આવ્યા. જ્યારે વાલીઓ મોડે સુધી ટીવી જોવા લાગ્યા હતા. શાળા ફરી શરૂ થતાં શિક્ષકોને લાગ્યું કે બાળકો આળસુ બની ગયા છે. પછી ડિજિટલ ડિટોક્સનો વિચાર આવ્યો.
વિજય મોહિતેના જણાવ્યા મુજબ, કોવિડ દરમિયાન બાળકો ટીવી અને ઑનલાઇન ક્લાસ માટે મોબાઇલ ફોનના આશ્રિત થઈ ગયાં હતાં.તેમણે કહ્યું હતું કે એ પછી બાળકો નિયમિત રીતે સ્કૂલે જતાં થયાં ત્યારે મોટી મુશ્કેલી સર્જાઈ હતી.
સ્કૂલેથી પાછાં ફરતાંની સાથે તેઓ મોબાઇલ લઈને બેસી જતાં હતાં અથવા તો ટીવી પર કાર્યક્રમો નિહાળતાં હતાં. બાળકો જ નહીં, મોટી વયના લોકો પણ મોબાઇલમાં મશગૂલ થઈ જતાં હતાં.
એમની વચ્ચે વાતચીત થતી જ ન હતી. ગામનાં એક રહેવાસી વંદના મોહિતેએ કહ્યું હતું કે મારાં બન્ને સંતાનને સંભાળવાનું મુશ્કેલ બની ગયું હતું. બન્ને બાળકો ફોનમાં વ્યસ્ત રહેતાં હતાં અથવા તો સતત ટીવી જોતાં હતાં.
તેમણે ઉમેર્યું હતું કે ગામમાં નવા નિયમનો અમલ શરૂ થયા પછી મારા પતિ માટે અમારાં બાળકોને અભ્યાસ કરાવવાનું આસાન થઈ ગયું છે. હવે હું રસોડામાં શાંતિથી કામ કરી શકું છું. ગામના લોકોને મોબાઇલ તથા ટીવી સેટ્સથી દૂર રહેવાના એટલે કે ડિજિટલ ડિટોક્સના નિર્ણયના અમલ માટે રાજી કરવાનું આસાન ન હતું.
વિજય મોહિતેના જણાવ્યા મુજબ, પંચાયતે ગામલોકો સામે પહેલી વાર આ વિચાર રજૂ કર્યો ત્યારે કેટલાક પુરુષોએ તેને હસી કાઢ્યો હતો.એ પછી પંચાયતે ગામની મહિલાઓને એકત્ર કરી હતી.
મહિલાઓ તો એવું માનતી હતી કે આવું જ ચાલતું રહેશે તો તેમને ટીવી સિરિયલો નિહાળતા રહેવાની કુટેવ પડી જશે. થોડા કલાકો માટે મોબાઇલ અને ટીવી બંધ રાખવાના પંચાયતના પ્રસ્તાવથી મહિલાઓ ખુશ હતી.
એ પછી પંચાયતે ફરી બેઠક યોજી હતી અને ગામના મંદિર પર એક સાયરન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિજય મોહિતેએ કહ્યું હતું કે આ નિર્ણયનો અમલ કરાવવાનું આસાન ન હતું. સાયરન વાગે એ પછી પંચાયતના સભ્યો અને ગ્રામજનોના જૂથે ગામમાં ચક્કર મારીને લોકોને જણાવવું પડતું હતું કે હવે મોબાઇલ અને ટીવી બંધ કરી દો.
થોડો વખત ટીવી કે મોબાઇલ ફોન બંધ રાખવાથી ‘ડિજિટલ ડિટોક્સ’ થઈ શકે? તેનાથી મોબાઇલના સતત વપરાશ કે ટીવી જોતા રહેવાની લતમાંથી છુટકારો મળી શકે?
આ સવાલના જવાબમાં નિમહાંસમાં ક્લિનિકલ સાયકૉલૉજીના પ્રોફેસર ડૉ. મનોજ શર્માએ કહ્યું હતું કે કોવિડને કારણે ઑનલાઇન ગતિવિધિ અથવા તો મોબાઇલ સાથે પસાર કરવામાં આવતા સમયમાં વધારો કર્યો છે.
ડૉ. શર્મા અને તેમના સાથી કર્મચારીઓએ આ સંદર્ભે 495 મહિલા અને 187 પુરુષોને આવરી લેતો એક અભ્યાસ કર્યો હતો.2020ના જુલાઈ અને ડિસેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવેલા આ સર્વેક્ષણના તારણ મુજબ, કિશોરો અને યુવા વયસ્કોમાં ઇન્ટરનેટનો વપરાશ સમસ્યાસર્જક પ્રમાણમાં ઝડપથી વધી રહ્યો હતો.ઇન્ટરનેટનો વધતો વપરાશ બહુ જ ગંભીર પડકારો બનીને ઊભર્યો છે.
અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટનો વધુ પડતો બિન-ઉત્પાદક વપરાશ વધવાથી પ્રોબ્લેમેટિક યૂઝનું જોખમ વધી શકે છે, જે માનસિક તણાવનું કારણ બની શકે છે. કિશોર વયનાં બાળકોના જીવનનાં અનેક પાસાંને તે નુકસાન કરી શકે છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે માનસિક તણાવની પ્રકૃતિ ધરાવતાં કિશોર વયનાં બાળકો અથવા એવું અનુભવતા લોકો ઇન્ટરનેટ તરફ વળી શકે છે.તેઓ તણાવ સર્જતી ભાવનાત્મક પરિસ્થિતિથી દૂર રહેવા કે તેનાથી બચવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય છે.
આ કારણસર એ લોકો અન્ય લોકો સાથે હળવા-મળવાનું ટાળતા રહે છે. સામાજિક મિલન, પારિવારિક આયોજન અને બહારની ગતિવિધિઓથી દૂર રહેવાને કારણે તેઓ એકલાં પડી જાય છે, એવું પણ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું.ડૉ. શર્માના જણાવ્યા મુજબ, સંપૂર્ણપણે સભાન પરિવાર માટે, ડિજિટલ ફાસ્ટિંગ (મોબાઇલ અને ટીવીથી દૂર રહેવું) ઑનલાઇન પ્રવૃત્તિઓ પરની આપણી નિર્ભરતા ઘટાડવાનો પાયો બની શકે છે.તેમણે કહ્યું હતું કે ડિજિટલ ડિટોક્સિંગ માટે તમારે તમારાં બાળકો સાથે વાત કરવી જરૂરી છે.
તેઓ રમતગમત કે બીજી ઑફ્ફલાઇન પ્રવૃત્તિમાં ભાગ લે, પૂરતી ઊંઘ લે અને યોગ્ય ખોરાક લે તે સુનિશ્ચિત કરવું પડે છે. વડગાંવના રહેવાસી દિલીપ મોહિતે શેરડીની ખેતી કરી છે અને તેમના ત્રણેય દીકરા સ્કૂલમાં અભ્યાસ કરે છે.
તેમના જણાવ્યા મુજબ, થોડા કલાકો માટે મોબાઇલ, ટીવીથી દૂર રહેવાના નિર્ણયની સારી અસર બાળકો પર જોવા મળી રહી છે.તેમણે કહ્યું હતું કે બાળકો અગાઉ અભ્યાસમાં ધ્યાન આપતાં ન હતાં. હવે તેમને અભ્યાસ કરવાની ઇચ્છા થાય છે. ગામમાં અને ગામની બહાર પણ લોકો સામાન્ય વાતચીતમાં ભાગ લેતા થયા છે.